

હળવદમાં એક સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કાર્યક્રમના પોસ્ટરમાં સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ભાજપના આગેવાનોના ફોટા સાથે પોસ્ટ મૂકાતા લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી.
પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝરોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ડીઝલની અછત વચ્ચે ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પંપ ઉપર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે આવા કાર્યક્રમોને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.
યુઝરોએ કોમેન્ટમાં લખ્યું કે, “જાલમુરીની જરૂર નથી, અત્યારે ખેડૂતને ડીઝલની જરૂર છે. જો સેવા કરવી હોય તો ડીઝલ વિતરણનો કાર્યક્રમ ગોઠવો.” કેટલાક લોકોએ કટાક્ષ કરતા લખ્યું કે, “દરેક પેટ્રોલ પંપ ઉપર ઝાલમુરી ખવડાવવાનો કાર્યક્રમ રાખો, કારણ કે દરેક ખેડૂત હાલ ત્યાં જ લાઈનમાં જોવા મળે છે.”
બીજી તરફ લોકોએ રોડની ખરાબ હાલત અને ડીઝલની સમસ્યા મુદ્દે પણ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. “હળવદની પ્રજા હેરાન થાય છે, પહેલા રોડનું કામ કરો પછી આવા કાર્યક્રમો કરો” જેવી ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
કેટલાક જાગૃત નાગરિકોએ સીધો સવાલ ઉઠાવ્યો કે, “પ્રજા તમને ચૂંટીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા મોકલે છે, ત્યારે લોકો મુશ્કેલીમાં હોય અને નેતાઓ કાર્યક્રમોમાં વ્યસ્ત રહે તે યોગ્ય નથી.”
હાલ વાવણીનો સમય નજીક આવી રહ્યો છે અને ડીઝલ ન મળવાથી ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા સમયમાં જાહેરખબરવાળા કાર્યક્રમોને લઈને લોકોમાં અસંતોષ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે.
“જાલમુરીનો કાર્યક્રમ રહેવા દો, પહેલા પેટ્રોલ અને ડીઝલની વ્યવસ્થા કરો નેતાજી…”
“ખેડૂત લાઈનમાં ધક્કા ખાય છે અને નેતાઓ કાર્યક્રમોમાં વ્યસ્ત”
“પ્રજાની સમસ્યાનું સમાધાન કરો, માત્ર દેખાવના કાર્યક્રમોથી કામ નહીં ચાલે”
મયુર રાવલ હળવદ



