


મોરબીના જુની પીપળી ગામમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલ.સી.બી.ની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની ૨૩ બોટલો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, એલ.સી.બી.ની ટીમે જુની પીપળી ગામના શિવપાર્ક-૨ વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે આવેલા બિપિન હિંમતલાલ મહેતાના રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. મકાનની તલાશી લેતા ગેરકાયદેસર પાસ કે પરમિટ વગર વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવેલી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૨૩ સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૧ આંકવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા જયેશ ઉર્ફે અભો કનુભાઈ મકવાણા પાસેથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી બિપિનભાઈ મહેતાની ધરપકડ કરી છે, જ્યારે જયેશ મકવાણાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.