


કેન્દ્ર સરકાર દ્વારા એતિહાસિક જીએસટી લાગુ કરવાની દિશામાં મહત્વના કદમો ઉઠાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે જ જીએસટી દેશમાં લાગુ થઇ સકે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહયા છે ત્યારે જીએસટીથી મોરબી જીલ્લાના ઉદ્યોગને શું ફાયદો કે નુકશાન તેની સમીક્ષા કરવા ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ જાણી હતી જોકે ઘડિયાળ ઉદ્યોગને જીએસટીથી નહિ નફો નહિ નુકશાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મોરબી પંથકમાં આઝાદી કાળથી ઘડિયાળ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આજે પણ દેશમાં ઘડિયાળના કુલ ઉત્પાદનનો સૌથી મોટો હિસ્સો મોરબીના ઘડિયાળ ઉદ્યોગ પાસે જ છે. ઘડિયાળ ઉદ્યોગના યુનિટો સરેરાશ નાના રહેતા હોવાથી એક્સાઈઝની ઝંઝટ રહેતી નથી પરંતુ વેટ સહિતના ટેક્ષ ઉદ્યોગપતિઓ ભરતા હતા જોકે ઘડિયાળ ઉદ્યોગ માટે સૌથી મોટી મુશ્કેલી સી ફોર્મ બાબતે હતી, અન્ય રાજ્યમાં વેપાર કરતા સમયે જે સી ફોર્મથી વેપાર કરવામાં આવે તેની રીકવરી ઘડિયાળ ઉદ્યોગ માટે માથાના દુખાવા સમાન બની હતી. જીએસટીમાં ઘડિયાળ ઉદ્યોગને ૧૮ ટકાના સ્લેબમાં સમાવવામાં આવ્યો છે જેથી ઘડિયાળ ઉદ્યોગને કશું મેળવવાનું નથી તો ખાસ કાઈ ગુમાવવાનો વારો પણ આવ્યો નથી જોકે સી ફોર્મની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે જેથી ઉદ્યોગપતિઓમાં રાહત જોવા મળી રહી છે. સૌથી વધુ મહિલાઓને રોજગાર આપતા ઘડિયાળ ઉદ્યોગને સરકારે કોઈ રાહત આપી નથી તો કોઈ વધારાનો બોજ પણ ઉદ્યોગ પર નાખ્યો નથી તેમ કહી સકાય. ઘડિયાળ ઉદ્યોગને ૧૨ ટકા ના સ્લેબમાં સમાવાય તો સોનામાં સુગંધ ભળે તેમજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત વધુ મહિલાઓને રોજગારી મળી સકે તેમ છે જેથી સરકાર આ મામલે વિચારણા કરે તે જરૂરી છે.મોરબી કલોક એશો.ના પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું.

