


હળવદ તાલુકામાં બ્રાહ્મણી-૨ ડેમના પાણીનો જથ્થો ખૂટી જવાની આરે પહોંચતા સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભુ થયુ છે. હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ મારફત નર્મદાનું પાણી છોડવાની માંગ ઉઠાવવામાં આવી છે.

ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના આશરે ૪૦ જેટલા ગામો, હળવદ શહેરના હજારો નાગરિકો, ખેડૂતો તેમજ પશુધનનું જીવન સંપૂર્ણપણે બ્રાહ્મણી-૨ ડેમના પાણી ઉપર નિર્ભર છે. હાલ કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો જથ્થો ખૂટતા સમગ્ર વિસ્તારમાં ચિંતાજનક અને કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે.
તા.૨૧/૦૫/૨૦૨૬ના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના પત્રનો ઉલ્લેખ કરતાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા ડેમમાં માત્ર ૬ થી ૮ દિવસ ચાલે તેટલું પાણી હોવાનું જણાવાયું હતું, પરંતુ હાલ સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે અને હવે માત્ર ૨ થી ૩ દિવસ પૂરતું જ પાણી બાકી રહ્યું હોવાનું પાણી પુરવઠા વિભાગે સ્વીકાર્યું છે.
ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ડેમ ખાલી થવાની નજીક આવે ત્યારબાદ જ તંત્ર જાગે છે અને અંતિમ ક્ષણે નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવે છે. આ સમગ્ર સ્થિતિ પાણી પુરવઠા વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ વચ્ચેના ગંભીર સંકલનના અભાવ અને બેદરકારીને ઉજાગર કરે છે. જેના કારણે સામાન્ય જનતા, ખેડૂતો અને પશુધન મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
વધુમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથેની ચર્ચાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ડેમમાં હજુ પાણી ઉપલબ્ધ હોવા છતાં પાણી પુરવઠા વિભાગની ટેકનિકલ ક્ષતિઓ અને અપૂરતી વ્યવસ્થાના કારણે ડેમના પુરેપુરા પાણીનો ઉપયોગ થઈ શકતો નથી. અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
ધારાસભ્યએ રાજ્ય સરકાર સમક્ષ ચાર મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે, જેમાં તાત્કાલિક નર્મદાનું પાણી છોડવું, જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી, ટેકનિકલ સુધારાઓ સાથે સ્થાયી ઉકેલ લાવવો તથા ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે કડક મોનીટરીંગ અને પૂર્વ આયોજન અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.
આ રજૂઆતની નકલ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાને પણ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ધારાસભ્યએ અંતમાં જણાવ્યું હતું કે “પાણી માત્ર જરૂરિયાત નહીં પરંતુ જીવન છે” અને આજે સમગ્ર હળવદ તાલુકાની જનતા સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહી છે.
મયુર રાવલ હળવદ


