મોરબીમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ છાત્રા સંમેલન યોજાયું : ‘દીકરીઓ જ દેશનું ભવિષ્ય’ના સંદેશ સાથે શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણનું માર્ગદર્શન  

 

મોરબીના પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે ‘ભારત ભાગ્ય વિધાતા’ છાત્રા સંમેલન નું આયોજન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, મોરબી તથા મહિલા સમન્વય, મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું. ‘દીકરીઓ જ દેશનું ભવિષ્ય’*ના સંદેશ સાથે યોજાયેલા આ સંમેલનમાં અંદાજિત 1500 જેટલી વિશાળ સંખ્યામાં છાત્રાઓ ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવ્યું હતું.

સંમેલનના પ્રથમ સત્રમાં ‘સોશિયલ મીડિયા ઔર હમ, મેં એક ઉત્તમ છાત્ર’ વિષય પર મહિલા સમન્વય અખિલ ભારતીય સહસંયોજિકા પુષ્પાજી જાંગીડ એ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સોશિયલ મીડિયાના યોગ્ય અને સકારાત્મક ઉપયોગ સાથે અભ્યાસમાં એકાગ્રતા, સમયનું આયોજન, શિસ્ત અને વિદ્યાર્થીજીવનમાં જવાબદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. બીજા સત્રમાં ‘વૈભવશાળી રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા – મેં અધ્યતન કૈસે બનુગી?’ વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રચાર ટોળીના સદસ્ય મુકુલ કાનીટકર એ સંબોધન કર્યું હતું.

મુકુલ કાનીટકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, – “ભારત માતાને માત્ર માતા કહેવી અને ભારતને પોતાના તરીકે માનવું – આ બંને બાબતો અલગ છે. ભારત માતાને પોતાની માનીને તેમના માટે જીવન સમર્પિત કરવાની ભાવના હોવી જોઈએ.” તેમણે યુવતીઓને પોતાની ક્ષમતા અને સામર્થ્યને ઓળખી રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી.

તેમણે “દેશ હમેં દેતા હૈ સબકુછ, હમ ભી તો કુછ દેના શીખે”* નો સંદેશ આપતાં જણાવ્યું હતું કે દેશ આપણને શિક્ષણ, સંસ્કાર, સંસાધનો અને તકો આપે છે ત્યારે આપણે પણ સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક આપવાની ભાવના કેળવવી જોઈએ. યુવાશક્તિ પોતાના જ્ઞાન, કૌશલ્ય, સમય અને સામર્થ્યનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરે તો વૈભવશાળી ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

ત્યારબાદ ત્રીજા સત્રમાં પ્રશ્નોત્તરી અને સમાપન સત્ર યોજાયું હતું, જેમાં છાત્રાઓએ વિવિધ પ્રશ્નો રજૂ કરી વક્તાઓ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંમેલન સ્થળે ભારતની વીરાંગનાઓના શૌર્ય, સાહસ અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને ઉજાગર કરતી વિશેષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી. છાત્રાઓએ પ્રદર્શનીની મુલાકાત લઈ દેશની વિવિધ વીરાંગનાઓના જીવન, સંઘર્ષ, પરાક્રમ અને પ્રેરણાદાયી કાર્ય વિશે માહિતી મેળવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.