


મોરબીમાં રહેતા યુવાનના ઘરમાં દિવસના સમયે ચોરી કરવા આવેલ ઈસમને ગાડીમાં બેસાડી માથક પાસે ફાર્મ હાઉસમાં લઇ જઈને છ ઇસમોએ ઢોર માર મારતા મોત થયું હતું અને મૃતદેહ વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો ચાર માસ પૂર્વેના બનાવમાં મોરબી એલસીબી ટીમે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી ઓગસ્ટ માસમાં છ આરોપીને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ ઈનોવા કાર અને ૮ મોબાઈલ સહીત ૧૧.૧૦ લાખનો મુદામાલ કબજે લીધો હતો જે આરોપીઓ પૈકી એક આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને મોરબી કોર્ટે ફગાવી દઈને નામંજૂર કરી હતી
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમથેરવા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી તા. ૦૮-૦૪-૨૬ ના રોજ નિર્વસ્ત્ર હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે અમોત દાખલ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ ચલાવી હતી બનાવ સ્થળની વિઝીટ કરી આસપાસના કારખાનામાં કામ કરતા શ્રમિકોને મૃતકનો ફોટો બતાવી તેમજ સીસીટીવી ચેક કર્યા બાદ છ શકમંદોને પૂછપરછ અર્થે એલસીબી કચેરી લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોલીસ તપાસમાં ભાંગી પડ્યા હતા અને ગુનો આચર્યાની કબુલાત આપી હતી
મૃતક અજાણ્યો પુરુષ આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના મકાનમાં દિવસના સમયે ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યો હતો અને આરોપી મકાને હજાર હતો જેને ચેક કરતા ખિસ્સામાંથી આરોપીની કાર અને એકટીવાની ચાવીઓ મળી આવી હતી જેથી માથાકૂટ થઇ હતી અને મૃતક અજાણ્યા પુરુષને ઈનોવા કારમાં ડ્રાઈવર રાજેશ ડાભીને બોલાવી માથક નજીક પોતાના સોલાર ફાર્મમાં લઇ ગયો હતો જ્યાં છ આરોપીઓએ પીવીસી પાઈપથી ઢોર માર મારી પોતાની કારમાં નાખી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ખરાબાની ઝાડીમાં અવાવરૂ જગ્યામાં ફેંકી દઈને ગંભીર ખૂનના ગુનાને અંજામ આપ્યો હતો
એલસીબી ટીમે આરોપીઓ સંદીપ ધનજીભાઈ ઝાલરીયા રહે ઉમિયાનગર શનાળા રોડ મોરબી, એલીસ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા રહે લુંટાવદર તા. મોરબી, દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયા રહે લુંટાવદર, મુન્નો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર રહે રફાળેશ્વર મોરબી, રાજેશ રમેશ ડાભી રહે ભડિયાદ તા. મોરબી અને રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ રહે મૂળ બિહાર એમ છને ઝડપી લીધા હતા ગુનામાં વપરાયેલ ઈનોવા કાર જીજે ૩૬ એલ ૯૮૮૧ કીમત રૂ ૧૦ લાખ અને મોબાઈલ નંગ ૮ કીમત રૂ ૧,૧૦,૦૦૦ મળીને કુલ રૂ ૧૧,૧૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યોં છે આરોપીને કોર્ટમાં રજુ કરતા છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા હતા રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલ્યા હતા જેલહવાલે થયેલા પૈકી આરોપી દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયાએ વકીલ મારફત બીજા એડીશનલ સેસન્સ જજ મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી
જે અરજીના કામે રાજ્ય તરફે એ.પી.પી. એસ.સી.દવેએ ધારદાર દલીલો રજુ કરી હતી બચાવ પક્ષે કરેલી દલીલોને કાઉન્ટર કરતા સરકાર તરફેના વકીલે તપાસ પૂર્ણ થઇ ગઈ અને ચાર્જશીટ ફાઈલ થવાથી અરજદાર આપોઆપ જામીન મેળવવા હકદાર બનતા નથી જયારે આક્ષેપો ગંભીર હોય અને ગુનાનું સ્વરૂપ અને તેની ગંભીરતા ગુનો જે રીતે આચરવામાં આવ્યો હોવાનો કથિત આરોપ છે તે પદ્ધતિ અને પ્રસ્તુત અરજદારના ફાળે આવતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને અદાલતનો એવો અભિપ્રાય બને છે કે અરજદાર સામે પ્રાથમિક દ્રષ્ટીએ કેસ બને છે બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે સરકાર તરફેના વકીલની દલીલો માન્ય રાખી આરોપીની જામીન અરજી રદ (નામંજુર) કરી છે