બગથળા પ્રા.આરોગ્ય કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ એનાયત
સતત બીજા વર્ષે મળ્યો પીએચસીને એવોર્ડ



મોરબી તાલુકાના બગથળા ગામમાં વર્ષોથી કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માત્ર બગથળા જ નહિ પરંતુ આસપાસના ૧૩ ગામના લોકો માટે આરોગ્યની સુવિધાનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. ૧૩ ગામના ૨૦ હજારની વસ્તી માટે આરોગ્યની સુવિધા આપનાર બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા ઉપરાંત લેબોરેટરી સુવિધા, ઓપીડી ઈન્દોર કામગીરી, ડીલીવરી સુવિધા તેમજ રાષ્ટ્રીય આરોગ્યના તમામ પ્રોગ્રામની સફળ અમલવારી કરવામાં આવી રહી છે. બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા સ્ટાફની વ્યવસ્થા છે જેમાં એમબીબીએસ, હોમીયોપેથીક અને આયુર્વેદિક એમ ત્રણ મેડીકલ ઓફિસર ઉપરાંત ફાર્મસી, લેબ ટેકનીશીયન સહિતના સ્ટાફ દ્વારા ગ્રામ્ય પંથકના નાગરીકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એવોર્ડ આપવામાં આવે છે જેમાં વર્ષે ૨૦૧૫-૧૬ અને વર્ષ ૨૦૧૬-૧૭ એમ બે વર્ષથી બગથળા પીએચસીને આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્પર્ધાનું વાતાવરણ ઉભું કરીને સારી કામગીરી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોરબી જીલ્લામાં આવેલા કુલ ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વચ્ચે થતી સ્પર્ધામાં છેલ્લા બે વર્ષથી બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાયાકલ્પ એવોર્ડ જીતી તેની શ્રેષ્ઠ કામગીરીનો પુરાવો આપી રહ્યું છે તેમ મેડીકલ ઓફિસર રાહુલભાઈ કોટડીયાએ જણાવ્યું હતું.

