

તારીખ 4/10/2026 ને રવિવારનાં રોજ વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનાં નવા બંધારણ માટે વાંકાનેર, ચોટીલા, થાન, મુળી, હળવદ, તેમજ ધાગધ્રા તાલુકા માથી 100 કરતાં વધારે ગામનાં તળપદા કોળી સમાજનાં મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં સમય પ્રમાણે સમાજમાં સમરસતા જળવાય એ ખુબ જરૂરી છે ત્યારે, સગાઈ પ્રસંગ, લગ્ન પ્રસંગ તેમજ લૌકિક જેવાં સામાજિક પ્રસંગોમાં જે જુના રિવાજો હતાં તેમાં ઘણાં બધાં નવા ફેરફારો કરી નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું.
જેમકે,સગાઈ પ્રસંગમાં માત્ર 51 લોકોએ સગાઈ કરવાં જવાનું, લગ્ન પ્રસંગમાં સોનાનાં દાગીનાં 3 તોલાથી વધારે કરાવવા નહીં, તેમજ ચાંદીનાં દાગીનાં વધારેમાં વધારે 250 ગ્રામથી વધારે કરાવવાં નહીં, મામેરું બેઠું વધાવવું, ફુલેકું કે વરઘોડામાં તેમજ જાનમાં અથવા ગોતીડામાં કોઈએ ડી.જે લઈ જવું નહીં કે વગાડવું નહીં, લગ્ન પ્રસંગમાં કોઈએ ફટાકડા ફોડવાં નહીં તેમજ પાર્ટી પેપરો (રંગ બે રંગી કાગળો) કોઈએ ઉડાડવા નહીં,લગ્ન પ્રસંગમાં જાન પાસેથી શિક્ષણ ફંડ લેવું તેમજ શ્રીમંત વિધિમાં માત્ર 51 લોકોથી વધારે જવાનું નહીં,
તેમજ લૌકિક જેવાં અશુભ પ્રસંગોમાં બેસણું માત્ર 2 દિવસ અને 1 દિવસ પાણીઢોર એમ કુલ મળી 3 દિવસનું બેસણું રાખવું. જેવાં ઘણા બધાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામે ગામ થી પધારેલ બહોળી સંખ્યામાં તળપદા કોળી સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોની વચ્ચે દિકરીઓનાં વરદ્હસ્તે કોળી સમાજનાં નવા બંધારણને ખુલ્લું મુકી, આજથી અમલમાં મૂકવામાં આવેલ હતું..

