મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા-રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે  માર્ગદર્શન સેમિનાર યોજાયો

UPSC અને GPSC ની તૈયારી કરતા જિલ્લાના તેજસ્વી યુવાનોને વૈજ્ઞાનિક ઢબે પરીક્ષા પાસ કરવા સચોટ માર્ગદર્શન અપાયું

 

મોરબી જિલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન પૂરું પાડવા મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), મોરબીના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ પર આવેલા શિવ હોલ ખાતે વિશેષ કારકિર્દી સેમિનાર સમારોહ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન આપતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસમાં યુવાનોની સહભાગીદારી સર્વોપરી છે. મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ થકી યુવાનો પગભર બની રહ્યા છે ત્યારે મોરબી ITI ખાતે નવીન હોસ્ટેલ શરૂ થવાથી અંતરિયાળ વિસ્તારના તાલીમાર્થીઓને સ્થાનિક સ્તરે જ રહેવા-જમવાની ઉત્તમ સુવિધા મળશે. મંત્રીએ મોરબીના યુવાનોને કૌશલ્ય કેળવી ‘વિકસિત મોરબીથી વિકસિત ભારત’ ના નિર્માણમાં જોડાવા આહવાન કર્યું હતું.

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ૨૦૪૭ ના વિકસિત ભારતના સંકલ્પને દોહરાવતા ઉમેર્યું કે, સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબના અદ્યતન કોર્સ અને વૈશ્વિક સ્તરે રોજગારી મળે તેવા આયોજનો સરકાર કરી રહી છે. ખાસ કરીને મહિલાઓને બ્યુટી પાર્લર, સિલાઈ અને મહેંદી જેવા કોર્સ થકી આર્થિક રીતે સશક્ત બનાવવાની પ્રવૃત્તિઓ વેગવંતી કરાઈ છે.

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ યુવાનોને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને મોરબીના સ્થાનિક ઉદ્યોગોને પૂરક બને તેવા વધુ રોજગારલક્ષી કોર્સ શરૂ કરવા વહીવટી તંત્રની કટિબદ્ધતા દર્શાવી હતી. આ સેમિનારમાં રોજગાર કચેરીના તજજ્ઞો અને કાઉન્સિલર્સ દ્વારા UPSC, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી, સ્માર્ટ સ્ટડી ટેકનિક અને અદ્યતન અભ્યાસક્રમ અંગે હજારો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

Leave A Reply

Your email address will not be published.