

મોરબી જિલ્લાના કૌશલ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના સરકારશ્રીના હકારાત્મક અભિગમ અંતર્ગત મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ના પરિસરમાં બહારગામથી આવતા તાલીમાર્થીઓની રહેવાની ઉત્કૃષ્ટ સુવિધા અર્થે રૂ. ૧૨.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.
આઈટીઆઈ ખાતે નવીન હોસ્ટેલ ભવનના નિર્માણથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાંથી ટેકનિકલ કૌશલ્યનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી શૈક્ષણિક રાહત અને સુવિધા મળશે. વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.



