




મોરબીમાં જાહેર માર્ગો પર મોડિફાઈડ સાયલેન્સર લગાવીને ઘોંઘાટિયા અવાજ સાથે પૂરઝડપે બાઈક ચલાવતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની ખાસ સૂચના અન્વયે મોરબી શહેરમાં ખાસ નાઈટ કોમ્બિંગ અને ટ્રાફિક ડ્રાઈવ યોજીને નિયમોનો ભંગ કરનારા બાઈકચાલકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ગત રાત્રિના સમયે શહેર ટ્રાફિક પોલીસ તેમજ મોરબી સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કંપની ફિટિંગના બદલે ગેરકાયદેસર રીતે મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જાહેર જનતાને ત્રાસ આપતા કુલ ૧૫ જેટલા બાઈકચાલકોને ઝડપી પાડી તમામ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા.
