હળવદની પ્રાચીન ગરબીમાં જીવંત રહી ક્ષત્રિય સંસ્કૃતિની શાન અને શૌર્યની પરંપરા

શક્તિ માતાજીના સાનિધ્યમાં રજવાડી પોશાકમાં માતાઓ-દીકરીઓ રમે છે પરંપરાગત ગરબા; આધુનિકતાથી દૂર રહી વર્ષો જૂની પરંપરાનું જતન કરતું ક્ષત્રિય યુવા સંગઠન

 

હળવદ:નવરાત્રિ એટલે શક્તિની આરાધના, ભક્તિ અને પરંપરાનો પર્વ. ત્યારે હળવદમાં ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત પ્રાચીન પરંપરાગત ગરબી સમગ્ર ઝાલાવાડ પંથકમાં ભક્તિ, શક્તિ અને શૌર્યની ગૌરવવંતી સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહી છે. હળવદના ઐતિહાસિક શક્તિ માતાજીના મંદિર ખાતે યોજાતી આ ગરબીમાં વર્ષો જૂની પરંપરાને આજે પણ એટલી જ શ્રદ્ધા, મર્યાદા અને ગૌરવ સાથે જાળવી રાખવામાં આવે છે.

રાજવી પરંપરાનો વારસો આજે પણ અકબંધ હળવદનું શક્તિ માતાજી નુમંદિર ઝાલા રાજપૂત-ક્ષત્રિય સમાજના કુળદેવી સ્થાનક તરીકે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. નવરાત્રિ દરમિયાન અહીં યોજાતી પ્રાચીન ગરબી રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી પરંપરાની યાદ અપાવે છે. આધુનિક ગરબાની બદલાતી શૈલીથી અલગ, અહીં માતાજીના પરંપરાગત છંદો અને સ્તુતિઓના ગાન સાથે ગરબા રમવામાં આવે છે, જે પ્રાચીન સંસ્કૃતિની આગવી ઓળખ જાળવી રાખે છે.

રજવાડી પોશાકમાં ગરબા, સંસ્કૃતિ અને મર્યાદાનો સંગમ

આ ગરબીનું સૌથી વિશિષ્ટ આકર્ષણ છે ક્ષત્રિય સમાજની માતાઓ અને દીકરીઓનો પરંપરાગત રજવાડી પોશાક. માથા પર કસુંબલ રંગની કે લાલચટક રજવાડી ચૂંદડી ઓઢીને લાજ-ઘૂમટાની પરંપરા જાળવી તેઓ માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમે છે. આ પરંપરા ક્ષત્રિય સમાજની શિસ્ત, સંસ્કાર, ગૌરવ અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવે છે.નવી પેઢી સુધી પહોંચે છે પ્રાચીન સંસ્કૃતિનો વારસો,આજના આધુનિક યુગમાં જ્યાં ગરબામાં અનેક નવા પ્રયોગો જોવા મળે છે, ત્યાં હળવદની આ પ્રાચીન ગરબી પોતાની આગવી ઓળખ અને પરંપરાગત સ્વરૂપને જાળવી રાખીને વિશેષ સ્થાન ધરાવે છે. માતાજીના છંદો, પરંપરાગત રાસ-ગરબા અને રજવાડી પહેરવેશ થકી નવી પેઢીને પણ પૂર્વજોના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

ક્ષત્રિય સમાજની આ ગરબી માત્ર નવરાત્રિનો ઉત્સવ નથી, પરંતુ ભક્તિ, શક્તિ, શૌર્ય, સંસ્કાર અને ઐતિહાસિક ગૌરવની પરંપરાને જીવંત રાખતું એક અનોખું સાંસ્કૃતિક પ્રતીક છે. સમગ્ર આયોજન ક્ષત્રિય યુવા સંગઠન, હળવદ દ્ધારા કરવામાં આવે છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.