સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના કોચ નિશાંત જાનીના કોચિંગ હેઠળ અવની ચાવડાની અન્ડર ૧૯ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
SCA અન્ડર ૧૯ મહિલા ટીમના મુખ્ય કોચ નિશાંત જાનીના માર્ગદર્શન હેઠળ કરી હતી તૈયારી અવની ચાવડાની અન્ડર ૧૯ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતા SCA માટે ગૌરવવંતી ક્ષણ




સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં અવની ચાવડાની પસંદગી થઈ છે. આ સિદ્ધિ પાછળ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અંડર-19 મહિલા ટીમના મુખ્ય કોચ નિશાંત જાનીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
નિશાંત જાનીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે અવની ચાવડાની પસંદગી સૌરાષ્ટ્રની અંડર-19 ટીમમાં થઈ હતી ત્યારે તે એક કાચી ખેલાડી હતી. જોકે તેની બોલિંગ એક્શન ખૂબ જ રહસ્યમય (મિસ્ટ્રી) અને ખાસ પ્રકારની હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન તેની બોલિંગ કુશળતા પર સતત કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પસંદગી સમિતિના સભ્ય શીતલબા જાડેજાના માર્ગદર્શન હેઠળ અવનીને સિનિયર તથા અંડર-23 સ્તરે રમવાની તક આપવામાં આવી હતી. આજે તેની મહેનત અને માર્ગદર્શનનું પરિણામ સૌની સામે છે.
કોચ તરીકે નિશાંત જાનીએ જણાવ્યું હતું કે કોઈપણ ખેલાડીને યોગ્ય કોચિંગ દ્વારા વધુ સારી રીતે ઘડી શકાય છે, તેની ટેક્નિકમાં રહેલી ભૂલો સુધારી શકાય છે અને સારી વ્યૂહરચના સમજાવી શકાય છે. પરંતુ ખેલાડીની કુદરતી પ્રતિભા અને વિશિષ્ટતા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. જો તેમાં અતિશય ફેરફાર કરવામાં આવે તો તેની સ્વાભાવિક ક્ષમતા પર અસર થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2025-26 દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની મહિલા ક્રિકેટ માટેની સિદ્ધિઓ નોંધપાત્ર રહી છે. અંડર-23ની ખેલાડી ઉમેશ્વરી જેઠવાની વેસ્ટ ઝોન ટીમમાં પસંદગી થઈ છે. અંડર-17માં ધ્રુવી ભટાસણા અને કૃશા હિરપરાની પસંદગી થઈ છે. જ્યારે અંડર-19માં એન્જલ કાંગડ, અવની ચાવડા અને કૃશા હિરપરાની BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE), બેંગલુરુ ખાતે હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ માટે પસંદગી થઈ છે.
નિશાંત જાનીએ જણાવ્યું હતું કે BCCIના એપેક્સ કાઉન્સિલના સભ્ય તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જયદેવ શાહ મહિલા ક્રિકેટના વિકાસ માટે સતત સહયોગ અને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન અને સમર્થનના કારણે મહિલા ક્રિકેટને નવી દિશા મળી રહી છે. આગામી સમયમાં પણ મહિલા ક્રિકેટને વધુ આગળ લઈ જવા માટે સતત પ્રયાસો ચાલુ રહેશે.