ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવમાં બે મોત



મોરબી જિલ્લામાં અલગ-અલગ બે સ્થળોએ સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટંકારાના નેકનામ પાસે આવેલા કારખાનામાં કામ કરતી વખતે શોર્ટ લાગવાથી શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે વાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ નેકનામ ગામની સીમમાં આવેલા ‘સાહેબ ફાઇબર્સ’ નામના કારખાનામાં રહેતો ૨૦ વર્ષીય કેવલકુમાર સુલેન્દ્રભાઇ સદાય (ભીલ) નામનો યુવાન નાઇટ શિફ્ટમાં ફરજ પર હતો. વહેલી સવારે સાડા સાત વાગ્યા પહેલાના સુમારે, તે કારખાનાના ફિલ્ટર પ્રેસ પ્લાન્ટમાં પાણીથી સાફ-સફાઈનું કામ કરી રહ્યો હતો. આ સફાઈ દરમિયાન તેને ઇલેક્ટ્રિક કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં, વાંકાનેરનાં કાશીપર ગામે રહેતા અને ખેતીકામ તેમજ ઘરકામ કરતા ૩૫ વર્ષીય સવિતાબેન ઉર્ફે ભાનુબેન વિનાભાઇ ઉર્ફે વિનોદભાઇ ધોરીયા સવારે પોતાના ઘરેથી વાડીએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન કાશીપર ગામની ‘બે નાલી’ તરીકે ઓળખાતી સીમમાંથી પસાર થતો રેલ્વે ટ્રેક તેઓ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી પૂરપાટ ઝડપે ટ્રેન આવી પહોંચી હતી. સવિતાબેન ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ટ્રેન સાથે જોરદાર ટક્કર થતાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.




