મોરબીમાં સલૂનમાં વાળ કાપવાના વારા બાબતે ડખો: ગ્રાહકોએ સંચાલકને માર માર્યો

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા એક હેર સલૂનમાં વાળ કપાવવાના વારા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દુકાન પર આવેલા બે શખ્સોએ સલૂન સંચાલક સાથે માથાકૂટ કરી, તેમને ઢીકાપાટુનો મૂઢમાર મારી, ગાળો આપી તેમજ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ઘટનાની વિગતો મુજબ, મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલી ખોજા સોસાયટીમાં રહેતા પ્રશાંતભાઇ અશોકભાઇ લાંધણોજા દલવાડી સર્કલ પાસે ‘અશોક હેર સલૂન’ નામની દુકાન ધરાવે છે. રાત્રિના નવેક વાગ્યાના અરસામાં આરોપી પ્યારૂ દાદુભાઇ પરમાર (રહે. દલવાડી સર્કલ પાસે) અને આકાશ નામનો અન્ય એક વ્યક્તિ દુકાને વાળ કપાવવા આવ્યા હતા. જ્યાં વાળ કપાવવાના વારા બાબતે આરોપીઓએ પ્રશાંતભાઈ સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી. બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો ભાંડી હતી. ઉપરાંત, આરોપીઓએ સલૂનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્યારૂ દાદુભાઈ પરમાર અને આકાશ નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.