મોરબી ક્રાઇમ બ્રાન્ચે બે અલગ-અલગ દરોડા પાડી દેશી અને વિદેશી દારુ મળીને ૩૨,૦૦૦થી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ સફળ દરોડા પાડ્યા છે. પોલીસે આ કામગીરી દરમિયાન રંગપર ગામની સીમમાંથી ૧૨૦ લીટર દેશી દારૂ અને મોરબી સીટી બી ડીવીઝન વિસ્તારમાંથી વિદેશી દારૂની ૮ બોટલો મળીને કુલ ૩૨,૮૮૦ નો દારૂનો જથ્થો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડાની વિગત મુજબ, મોરબી તાલુકાના રંગપર ગામ પાસે, રેબન કારખાનાની સામે આવેલા હરિપ્રકાશ કોમ્પ્લેક્ષમાં બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન નંબર-૫ માંથી ગેરકાયદેસર વેચાણ કરવાના ઇરાદે રાખવામાં આવેલો ૧૨૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ૨૪,૦૦૦ થાય છે. આ મામલે પોલીસે મોરબી-૨ માં માળિયા ફાટક પાસે કાંતિનગરમાં રહેતા અનવર હાજીભાઇ માલાણી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

બીજા દરોડામાં, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર આવેલી સીરામિક સીટી (એલ-૦૧) ના પાર્કિંગમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. ત્યાંથી ‘બ્લેન્ડર્સ પ્રાઇડ રીઝર્વ કલેક્શન વ્હીસ્કી’ની ૭૫૦ મી.લી.ની કંપની સીલપેક ૮ કાચની બોટલો મળી આવી હતી, જેની કિંમત ૮,૮૮૦ આંકવામાં આવી છે. આ વિદેશી દારૂના જથ્થા સાથે સીરામિક સીટીમાં જ રહેતા હિરેન સેતલકુમાર યાદવ નામના શખ્સને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક આરોપી જગદીશ આહીર સ્થળ પરથી મળી ન આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.