

મોરબી તાલુકાના રાજપર ગામે પક્ષીઓને ચણ નાખવા ગયેલા એક આધેડ પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. દીકરાની સગાઈ કેમ કરી તેમ કહી આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે પ્રૌઢને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઘટનાની વિગતો મુજબ, રાજપર ગામે રહેતા સવજીભાઇ દેવજીભાઇ ધોળકીયા ગત બપોરે રાજપરથી પંચાસર જવાના રસ્તે આવેલા સ્મશાન પાસે પક્ષીઓને ચણ નાખવા ગયા હતા. આ દરમિયાન હસમુખભાઇ ભરતભાઇ ધોળકીયા, બાવજીભાઇ રવજીભાઇ ધોળકીયા અને એક અજાણ્યો શખ્સ ફોરવીલ કારમાં ત્યાં ધસી આવ્યા હતા. આરોપી હસમુખભાઇએ સવજીભાઇને ગાળો આપી ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તમારા દીકરા ખુશાલની સગાઈ મારી પૂર્વ પત્ની રિધ્ધી સાથે કેમ કરી? મેં તમને ના પાડી હતી.” આટલું કહી હસમુખભાઇએ લોખંડના પાઇપ વડે સવજીભાઇના હાથ પર ઘા મારતા ફેક્ચર જેવી ઈજા થઈ હતી, જ્યારે બાવજીભાઇ અને અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે પગના ભાગે આડેધડ માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.