

વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા પુરુષે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટ તરફથી આવતી ટ્રેન નીચે ઝંપલાવતા ગંભીર ઈજાઓને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહ હાલ બિનવારસી હાલતમાં હોવાથી વાંકાનેર રેલ્વે પોલીસે મૃતકના વાલીવારસોને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, રાજકોટથી આવતી ટ્રેન નંબર ૧૯૨૬૯ (પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ) વાંકાનેર સ્ટેશને પહોંચે તે પહેલા કિમી નંબર ૭૦૧/૨૯ પાસે એક અંદાજે ૪૦ વર્ષીય અજાણ્યા પુરુષે ટ્રેન સામે પડતું મૂક્યું હતું. આ અકસ્માતમાં માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. મરણ જનાર વ્યક્તિ ઘઉંવર્ણના છે અને તેમની ઊંચાઈ આશરે ૫.૪ ફૂટ છે. હાલ મૃતદેહને ઓળખ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ અંગે કોઈને જાણકારી હોય તો વાંકાનેર રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા (મો. ૬૩૫૨૬૩૫૫૨૫) પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.