


જેતપુરમાં પરિણીતાને ત્રાસ આપવાના મામલે પતિ સહિત સાસરિયા પક્ષના ૬ સભ્યો સામે ગુનો નોંધાયો છે. હાલ વાંકાનેર ખાતે રહેતા અને સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલાએ સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા અને સરકારી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા પરવીનબેન તેરવાડીયા નામના ૩૮ વર્ષીય મહિલાએ જેતપુરની જૂની શાક માર્કેટ પાછળ રહેતા તેમના પતિ અફઝલભાઈ આરીફભાઈ તેરવાડીયા, સસરા આરીફભાઈ, સાસુ મેફુજાબેન, દિયર ઇરફાનભાઈ, દેરાણી રોજમીનબેન અને ફુઆજી સસરા સલીમભાઈ કરગથરા સામે ફરિયાદ નોંધાવી છે. માર્ચ ૨૦૨૦ થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન જેતપુર ખાતે સાસરિયાઓએ પરણિતાને નાની-નાની બાબતોમાં હેરાન-પરેશાન કરી, મારકૂટ કરી તેમજ મેણા-ટોણા મારીને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત પતિના આડા સંબંધોમાં સાસરિયાઓએ સાથ આપી એકબીજાને ઉશ્કેરણી કરી ગુનામાં મદદગારી કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે સાસરીયાઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.