

65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવામાં આવી છે. મોરબી જિલ્લામાં હાર્દિક પટેલની પોપ્યુલારીટી જોતા હાર્દિક પટેલ દિવસ રાત અન્ય નેતાઓ સાથે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મુલાકાત લઇ રહ્યા છે.
65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલના પ્રચાર અર્થે કોંગ્રેસના યુવા નેતા તથા ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે જેતપરમાં ચુંટણી પ્રચારનો શંખનાદ કરશે જ્યારે “જીતશે જયંતિલાલ”ના નારા સાથે મોરબી-માળિયા મતક્ષેત્રમાં કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને ગદ્દારને જાકારો આપોના નારા સાથે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
પ્રદેશ કક્ષાના નેતાઓને પ્રચાર મેદાનમાં ઉતારીને કોંગ્રેસે ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી દીધો છે. પૂરી તાકાતથી એકજુથ થઈને કોંગ્રેસ પેટા ચુંટણીનો પ્રચાર કરી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા બે દિવસથી મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવી રહ્યા છે. હાર્દિક પટેલ આજે મોરબીના જેતપર ગામે સભા ગજવશે. તો 24 ઓક્ટોબરના રોજ વિપક્ષી નેતા પરેશ ધાનણી મહેન્દ્રનગર ખાતે, તારીખ 27 ઓક્ટોબરના રોજ કોંગ્રેસના દિગજ્જ નેતા અર્જુનભાઇ મોઢવડીયા મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં અને તારીખ 28 ઓક્ટોબરના રોજ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ સભા ગજવશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા સૌરાષ્ટ્રના ધારાસભ્યો થતા પ્રદેશ કક્ષાના નેતાઓ મોરબી માળિયા બેઠક પર જીતના શંખનાદ સાથે ડોર ટુ ડોર પ્રચાર તેમજ જ્ઞાતિ વાઇઝ અને જુદાજુદા લેવલે મીટીંગનો દૌર ચાલી રહ્યો છે.


