

મોરબી જિલ્લામાં એક દિવસમાં મોતના બે બનાવો સામે આવ્યા છે. હળવદ તાલુકાના ગોલાસણ ગામે ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગતા એક શ્રમિક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે મોરબીના જુના લીલાપર ગામે એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બંને મામલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
હળવદના ગોલાસણ ગામની સીમમાં વીજ કરંટ લાગવાની પ્રથમ ઘટનામાં, મૂળ કચ્છના રાપરના વતની અને હાલ નારાયણભાઈ સાવડીયાની વાડીએ મજૂરી કરતા નરેશભાઈ ધનજીભાઈ કોળી (ઉં.વ. ૨૭) મગફળીના પાકમાં પાણી વાળી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ઝટકા મશીનના વાયર પર પડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે.
બીજા બનાવમાં, મોરબી તાલુકાના જુના લીલાપર ગામે રહેતા મહેશભાઈ ધનજીભાઈ ગણેશિયા (ઉં.વ. ૩૦) નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મજૂરી કામ કરતા આ યુવાને કયા સંજોગોમાં આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ રહસ્ય છે. મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


