મોરબી SOGએ ચોરીના બાઈક સાથે રીઢા ગુનેગારને પાવડીયાળી કેનાલ પાસેથી ઝડપી પાડ્યો

મોરબી SOG દ્વારા જિલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાનડીયાળી કેનાલ નજીકથી એક શંકાસ્પદ શખ્સને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

વિગતો મુજબ, SOGની ટીમ જ્યારે જેતપર રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે મોરબી તરફથી આવતા એક નંબર વગરના કાળા કલરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર સવાર શખ્સને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા અને બાઈકના કાગળો ન હોવાથી ચેસીસ નંબર દ્વારા તપાસ કરતા તે બાઈક GJ-12-BC-9121 ચોરીનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ મામલે ઉસ્માનભાઈ કાસમશા શેખ (રહે. પ્રાગપર, તા. રાપર) નામના શખ્સની ધરપકડ કરી ૪૦૦૦૦ની કિંમતનું બાઈક જપ્ત કર્યું છે. નોંધનીય છે કે આ આરોપી અગાઉ અંજાર અને ભુજ પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ જેટલા ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. આગળની તપાસ માટે આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.