

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલી ‘બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ’ નામના બંધ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે ત્રાટકેલા અજાણ્યા ચોર ઈસમો કારખાનામાંથી સીસીટીવી કેમેરા, ટીવી અને મોંઘા દાટ કોપર કેબલ સહિત કુલ રૂ. ૨.૦૫ લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાની વિગત મુજબ, રવાપર-ઘુનડા રોડ પર રહેતા વેપારી જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગાળા ગામની સીમમાં મધુસુદન પેપર મિલ પાછળ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનું બંધ હતું, ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ત્યાંથી રૂ. ૧૦ હજારની કિંમતનું એનવીઆર, રૂ. ૨૦ હજારનું સોની ટીવી અને બે સીસીટીવી કેમેરાની ચોરી કરી હતી. આ ઉપરાંત, કારખાનાના મશીનરીના ભાગ ગણાતી ૮ નંગ કોપર પ્લેટ (કિંમત રૂ. ૧ લાખ), પ્રેસ મશીન પાસેનો ૪૦ ફૂટ કોપર કેબલ (કિંમત રૂ. ૪૦ હજાર) અને કંટ્રોલર સુધીનો ઇન્ટરલોક કોપર કેબલ (કિંમત રૂ. ૩૦ હજાર) મળી કુલ બે લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


