




મોરબીના કેરાળી ગામે આવેલી એક ખેતીની જમીન પર કબજો કરવાના ઇરાદે બે શખ્સોએ લાકડી-ધોકા સાથે ગેરકાયદેસર પ્રવેશ કરી જમીન માલિકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, મોરબી-૨ ખાતે સર્કિટ હાઉસ પાસે આવેલી આશાપાર્ક સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના પરિવાર સાથે કેરાળી ગામની સીમમાં આવેલી પોતાની માલિકીની સર્વે નં. ૦૯ વાળી જમીન જોવા ગયા હતા. આ દરમિયાન કેરાળી ગામના જ રહેવાસી આરોપી અરજણ લક્ષમણભાઈ ચાવડીયા અને નવઘણ રાજુભાઈ ચાવડીયા લાકડી અને ધોકા લઈને ત્યાં ઘૂસી આવ્યા હતા. બંને આરોપીઓએ આ જમીનનો કબજો અમારે કરવાનો છે તેમ કહી ફરિયાદી અને તેમના પરિવારને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
