મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય બનાવો અંગે અકસ્માતે મોતના ગુના નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મોરબીના ઉંટબેટ (શામપર) ગામે રહેતા અને કડિયા કામ કરતા ૩૪ વર્ષીય ચિરાગભાઈ ભીખાભાઈ રતનાણી નામના યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બીજો અકસ્માતનો બનાવ રંગપર ગામની સીમમાં આવેલ સોલેન્ટો સિરામિક કારખાનામાં બન્યો હતો. મૂળ મધ્ય પ્રદેશના અને હાલ મોરબી-૨ તાજપર ચોકડી પાસે ગોકુલપાર્કમાં રહેતા ધીરજભાઈ મોતીલાલ માલવી (ઉ.વ.૩૭) નામના શખ્સ કારખાનામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ૩૦ ફૂટની ઊંચાઈએ પતરા પરથી અચાનક નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ત્રીજી ઘટના ટીંબડી રોડ પર ગુરુકુળ સ્કૂલની સામે આવેલ એ એન્ડ જે. માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં બની હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કારખાનામાં જ રહેતા સંતોષભાઈ વિજયભાઈ માહવા (ઉ.વ.૪૦) ક્રેઇન વડે સાઇકલોન ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવી રહ્યા હતા. તે સમયે અચાનક ક્રેઇનનો બેલ્ટ તૂટી પડતાં સંતોષભાઈ લોખંડના ભારેખમ પ્લેટફોર્મ નીચે દબાઈ ગયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.