

ટંકારાના છતર જી.આઇ.ડી.સી.માં ત્રણ માસ પૂર્વે ઝડપાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાના કેસમાં લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા મુખ્ય આરોપીને પકડવામાં ટંકારા પોલીસને મોટી સફળતા મળી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે નાસતા ફરતા ગુનેગારોને પકડવાની ડ્રાઈવ અંતર્ગત પોલીસે બાતમીના આધારે આ આરોપીને દબોચી લીધો છે.
બનાવની વિગત મુજબ, અગાઉ છતર જી.આઇ.ડી.સી.માં એક ગોડાઉન ભાડે રાખીને તેમાંથી અંદાજે રૂ. ૧.૧૭ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને પ્લાસ્ટિકના ચપટાનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય આરોપી પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરીયા (રહે. નાની વાવડી, મોરબી) ફરાર થઈ ગયો હતો. ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી મોરબીમાં હાજર છે. જેના આધારે પોલીસે છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ ૪ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને હવે આ મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવી દારૂના આ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.