

વાંકાનેર શહેરમાં રહેતા લેબર કોન્ટ્રાકટરે વ્યાજખોરો પાસેથી લીધેલી ૧૦ લાખની રકમના ૩૫ લાખ ચૂકવ્યા છતાં આરોપીએ પોતાના સાળાને ઉઘરાણી સોપતા વધુ સાડા પંદર લાખ રૂપિયાની ઉઘરાણી કરી ફોન ઉપર તેમજ રૂબરૂ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેર જીનપરા શેરી નં ૧૦ માં રહેતા દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગર (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ સરફરાજ હુશેન મકવાણા રહે વાંકાનેર, પુનીતભાઈ, સાકીર ઇકબાલ ઘોઘાણી રહે બંને મોરબી અને રમજાન ઉર્ફે રમજુ રહે ટંકારા એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૨૨/૨૩ માં દેવેન્દ્રભાઈનું મકાન જુનું થઇ ગયું હોવાથી નવેસરથી મકાન બનાવવા પૈસાની જરૂરત પડી હતી જેથી આસીયાના સોસાયટીમાં રહેતા સરફરાજ હુશેન મકવાણા જે નાનપણના મિત્ર હોય અને વ્યાજે રૂપિયા આપતો હતો તેને વાત કરી હતી આઠ લાખ રૂપિયાની જરૂરત છે તું મને આપીશ કહેતા આઠ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે આપવા હા પાડી હતી અને બાદમાં લેબરને પગાર આપવાનો હોવાથી વધુ એક લાખની જરૂરત હોવાથી આરોપીએ બે લાખનો મેળ કરી આપું છું જેમાં આઠ લાખ રૂપિયાનું વ્યાજ કાપી એક લાખ વીસ હજાર આપ્યા હતા
દર મહીને એક લાખ રૂપિયા વ્યાજ પેટે રોકડા આપતો હતો અને વર્ષ ૨૦૨૨ માં આઠ કે નવમાં મહિનામાં સરફરાજ મર્ડર કેસમાં જેલમાં ગયો અને બે મહિના સુધી કોઈ કોન્ટેક થયો નહિ બાદમાં ફરિયાદી કારખાને હોય ત્યારે એક મોબાઈલ પરથી ફોન આવ્યો અને વાત કરતા દેવાભાઈ બોલે છે પૂછ્યું જેથી હા પાડી તેને મને કારખાનાના ગેટ પાસે બોલાવતા ત્યાં ગયો જ્યાં પોતાનું નામ પુનીત છે અને સરફરાજને રૂપિયા આપવાના છે પૂછતાં હા પાડી હતી અને સરફરાજને મળવા મોરબી સબ જેલ આવવું પડશે કહ્યું હતું જેથી ફરિયાદીએ જેલ નહિ આવે કહેતા પુનિતે સ્વીફ્ટ ગાડીમાં બેસાડી છરી બતાવી તું નહિ આવે તો જાનથી મારી નાખીશ કહીને ધમકી આપી હતી બે દિવસ પછી મોરબી ગયા જ્યાં પુનીતનો કોન્ટેક કરી મોરબી જેલ ગયા અને આરોપી સરફરાજે હવે પછી મારા રૂપિયાની ઉઘરાણી પુનિતભાઈ કરશે તારે તેને વ્યાજના રૂપિયા આપવાના રહેશે કહ્યું હતું
પુનિતભાઈને આશરે એક એક લાખના ૨૫ હપ્તા આપ્યા દરમિયાન સર્વ્ગ્રામ ફાયનાન્સમાં પત્નીના સોનાના દાગીના મૂકી તેના પર બે લાખ એકાવન હજારની લોન લીધી હતી આઠ મહિના પહેલા પુનિતે વ્યાજના રૂપિયાનું શું છે કહેતા મકાનની લોન પ્રોસેસ ચાલુ છે દસ-પંદર દિવસમાં પાસ થઇ જશે અને પુનિતે વાત કરી હવે હું વ્યાજના રૂપિયા લેવા નહિ આવું સરફરાજનો સાળો સાકીર ઇકબાલ ઘોઘાણીને આપવાના રહેશે તા. ૨૨-૦૪-૨૬ ના રોજ સવારના ફોન પર સાકીરનો ફોન આવ્યો જે ઉપાડ્યો નહિ અને રાત્રીના સાડા અગિયાર વાગ્યે ફોન કરી વાત કરતા સાકીરે વાંકાનેર જકાતનાકા પાસે બોલાવ્યો જ્યાં મકાનના લોનના આવેલ રૂપિયા આઠ લાખ સાકીરને આપ્યા હતા અને રૂપિયાનો મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે બાદમાં આજથી અઢી માસ પૂર્વે સરફરાજ પેરોલ રજા પર આવ્યો અને ફોન કરી ઢુવા ચોકડી બોલાવ્યો જ્યાં હિસાબ ક્લીયર કરી નાખજે એક મર્ડર કરેલ છે બીજું તારું કરી નાખીશ કહીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી
બાદમાં ફોન આવતા હતા પરંતુ ઉપાડતો નહિ અને મોબાઈલમાં વોઈસ રેકોર્ડીંગ મોકલી સરફરાજે મુલાકાતે બોલાવ્યો તા. ૦૮-૦૯-૨૬ ના રોજ રાજકોટ જેલ ગયો જ્યાં સરફરાજે વ્યાજના હપ્તા કેમ લેટ થાય સમયસર આપતો જ કહીને જવા દીધો અને સાકીરનો ફોન આવ્યો રાજકોટ જેલ બોલાવ્યા છે જેથી તા. ૦૭-૧૦-૨૬ ના રોજ રાજકોટ જેલ સાકીર સાથે ગયો હતો જ્યાં બધો હિસાબ ક્લીયર કરી દેજે હું પેરોલ પર આવું છું તા ૧૫-૧૦ ના રોજ ફોનમાં રમજાન ઉર્ફે રમજનો ફોન આવ્યો અને મારા ભાઈ નીલેશભાઈને વાત કરી જેમાં રમજાને સાડા પંદર લાખ આપવાની વાત કરી હતી અને હિસાબ પૂરો કરી દઈએ કહ્યું હતું આમ આરોપીઓએ દશ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે આપી રૂપિયા ૩૫ લાખ ચૂકવ્યા છતાં વધુ સાડા પંદર લાખ બળજબરીથી કઢાવવા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે