અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ અનેક વખત મોડી કર્યા બાદ અંતે રદ: ૧૦૦થી વધુ મુસાફરો અટવાયા

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસજેટ એરલાઈન્સની અણઘડ કામગીરીને કારણે અમદાવાદથી નવી દિલ્હી જનારા ૧૦૦થી વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ફ્લાઈટને અનેક વાર ડિલે કર્યા બાદ મોડી રાત્રે ૧૨ વાગ્યે અચાનક ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. અધિકારી સાથે રકઝક કરતા મુસાફરોનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ અંગે મુસાફરો પાસેથી મળતી વિગતો મુજબ, અમદાવાદથી રાતે ૧૦:૨૦ની નવી દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં શરૂઆતથી જ વિલંબ થઈ રહ્યો હતો અને એરલાઈન્સ દ્વારા અલગ-અલગ કારણોસર ફ્લાઈટને અનેક વખત ડિલે કરવામાં આવી હતી. કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવડાવ્યા બાદ રાત્રે ૧૨ વાગ્યે એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ કેન્સલ હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ૧૦૦થી વધુ મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, જેમાં દૂર-દૂરના શહેરો અને ગામડાઓમાંથી આવેલી મહિલા મુસાફરો પણ મોટી સંખ્યામાં સામેલ છે.

ફ્લાઈટ રદ થયા બાદ સ્પાઈસજેટ એરલાઈન્સના સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો ન હોવાના આક્ષેપો મુસાફરો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા મુસાફરો માટે રાત્રિ રોકાણ કે અન્ય કોઈ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરી આપવામાં ન આવતા મુસાફરોને એરપોર્ટ પર જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.