


એસએમસી દ્વારા મોરબીના વાંકનેર સિટી પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધી અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર ૨૭ પર વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક ગાયત્રી ચેમ્બરની સામેથી એસએમસીની ટીમે વિદેશી દારૂના કન્ટેનર સાથે એક આરોપીને ઝડપી પાડી કુલ ૮૦,૮૬,૦૯૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દરોડા દરમિયાન પોલીસે કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૮,૯૧૨ બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત ૫૫,૭૪,૫૨૮ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ૨૫,૦૦,૦૦૦ ની કિંમતનું કન્ટેનર, ૧૦,૫૦૦ ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન અને ૧,૦૭૦ ની રોકડ રકમ સહિત કુલ ૮૦,૮૬,૦૯૮ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનાસ્થળેથી કન્ટેનરના ચાલક અચલારામ રાજુરામ જાટ (રહે. ધીરાસર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી તેને વાંકનેર સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે આ દારૂનો જથ્થો મોકલનાર મનીષ શર્મા (રહે. સીકર, રાજસ્થાન) અને મોરબીમાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક રીસીવર સહિત બે વ્યક્તિઓને પકડી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.