મોરબી મહાનગરપાલિકામાં પંચર-ગ્લાસ ખરીદીના બીલોનું કોભાંડ, તપાસના આદેશો છુટ્યા
વહીવટદાર શાસન સમયે શાખા અધ્યક્ષને રૂ ૫૦ હજાર સુધીના ખર્ચની આપી હતી સત્તા ૫૦૦ ના પંચરના રૂ ૧૫૦૦, પાણીના ૨૦ ના જગના ૫૦ રૂપિયા લેખે બીલ ચૂકવાયા ?





મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસકાર્યોએ ગતિ પકડી છે નગરજનો ઝડપથી થતા કાર્યો જોઈ રહ્યા છે રોડ રસ્તા, બાગ બગીચા સહિતના કામો સમયસર થઇ રહ્યા છે તેમાં કોઈ ઇનકાર કરી સકે નહિ પરંતુ મહાપાલિકા બન્યાને પોણા બે વર્ષનો સમય થયો છે ત્યારે ખરીદીના બીલોનું કોભાંડનું ભૂત ધુણવા લાગ્યું છે અને ઊંચા બીલો ચૂકવી દીધાના આક્ષેપો વચ્ચે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે
મોરબી મહાનગરપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી અમલમાં આવી છે અને મહાપાલિકા ચુંટણી ૨૦૨૬ માં યોજાઈ તે પૂર્વ વહીવટદાર શાસન હતું દરમિયાન બીલોના ઊંચા ભાવો લખી બીલ મંજુર થઇ ગયા છે વર્કશોપ શાખામાં ટાયર પંચર, પાણીના જગ અને ડીસ્પોએઝેબલ ગ્લાસ ખરીદીમાં ઊંચા બીલો મૂકી મંજુર પણ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વર્કશોપ શાખામાં વાહનમાં ટાયર પંચરના ૫૦૦ નું બીલ મંજુર કરી બાદમાં ૫૦૦ આગળ ૧ કરી ૧૫૦૦ નું બીલ બનાવી બીજી વખત મંજુર કરી દીધું, ૧૫૦૦ ગ્લાસ ખરીદી કરવાના ૭૦૦ રૂપિયાના બીલ આગળ ૧૦ લખી ૧૦,૭૦૦ બીલ કરી મંજુરી કરી દેવામાં આવ્યું હતું
જે મામલે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે થોડા દિવસો પૂર્વે ધ્યાને આવ્યું હતું કે બીલો ખોટી રીતે મંજુર થયા હોય જેથી ચીફ ઓડીટરને તપાસ કરી અહેવાલ કરવા જણાવ્યું છે હાલ તપાસ ચાલુ છે મહાનગરપાલિકા બની તે પૂર્વે નગરપાલિકા સમયમાં વિવિધ શાખાના બીલો ચીફ ઓફિસર મારફત મંજુર કરવામાં આવતા હતા મહાપાલિકા બન્યા બાદ શાખા અધિકારીઓને ૫૦,૦૦૦ સુધીના ખર્ચ મંજુર કરવા સત્તા આપવામાં આવી હતી વર્કશોપ શાખાના અધિકારી દીપ ફળદુ હતો તેને આ પ્રકારે બીલો મંજુર કર્યા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર હશે, રેકર્ડ સાથે ચેડા કરી ખોટા બીલો બનાવ્યા હોય તેની સામે સક્ષમ કક્ષાએથી મંજુરી લઈને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન શાખા અધ્યક્ષોને ૫૦ હજાર સુધીના ખર્ચની મંજુરી આપી હતી અને આ સમયગાળા દરમીયાન બીલોમાં ગોલમાલ કરવામાં આવી હતી
વાહન પંચર કરાવવા માટે વાહન જામનગર મોકલ્યું ?
મોરબી મહાનગરપાલિકામાં તા. ૦૩-૦૪-૨૬ નું બીલ મંજુર કરવામાં આવ્યું છે જે બીલ સદામ ટાયર વર્કસ, લાલપુર રોડ જામનગરનું છે મોરબી મહાપાલિકાના વાહનના ટાયર પંચર માટે વાહન જામનગર મોકલ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે કે પછી ગમે ત્યાંથી બીલો બનાવી બીલો રજુ કરી મંજુર કરી દેવામાં આવતા હતા તેની તપાસ પણ જરૂરી છે
