

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને પર્યાવરણના જતન માટે ગત વર્ષથી વિવિધ વિસ્તારોમાં સુંદર બગીચાઓ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરને આગામી ચાર મહિનામાં હરવા ફરવા માટે ચાર બગીચાઓ મળવાના છે. આ ઉપરાંત વધારાના બે બગીચાઓનું કામ પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર છે.પરંતુ મોરબીનો બગીચા શહેરીજનોની સુખાકારી બનાવવામાં આવે છે તેનું જતન મોરબી મહાનગરપાલિકા કરી શકશે કે કેમ તે મોટો સવાલ છે
મોરબી શહેરમાં સૂરજ બાગ, કેસર બાગ, શંકર આશ્રમ, રાણી બાગના પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. આગામી ચાર મહીનામાં આ ચાર બગીચાઓ મોરબીને મળવાના છે. કેસર બાગનું રૂ.૩.૪૯ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. જે ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જ્યારે શંકર આશ્રમ ગાર્ડનનું રૂ.૨.૪૮ કરોડના ખર્ચે કામ હાથ ધરાયુ છે. નદી કાંઠે રમણીય વાતાવરણ વચ્ચે આ બગીચો ડેવલપ થઈ રહ્યો છે. જેમાં ખાસ યોગા અને ગઝેબો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ ગાર્ડનનું કામ પણ તા.૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.મણિમંદિર ખાતે પણ રૂ.૨.૬૫ કરોડના ખર્ચે રાણી બાગ ડેવલપ થઈ રહ્યો છે. આ ગાર્ડનમાં જાહેર જનતા માટે ફૂડ કોર્ટ સહિતની સુંદર વ્યવસ્થા હશે. મે મહિનામાં શરૂ થયેલું આ કામ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન છે. જ્યારે સૂરજ બાગનું રૂ.૨.૧૩ કરોડના ખર્ચે કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે બાગ બગીચા બનાવવામાં આવી રહ્યા છે જે સારી બાબત છે પણ તેની જાળવણી મહાનગરપાલિકા કરી ના શકતું હોય તેમ લાગી રહ્યું છે કેમ કે મોરબીના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ રૂ.૧.૨ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ થોડા જ સમયમાં લપસીયા અને હીચકા સહિતની વસ્તુઓ અને બાકડાઓ તૂટી ગયા છે.મહાનગરપાલિકા દ્વાર ત્યાં સિક્યુરીટી ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે છતાં પણ બગીચાની સારસંભાળ રહેતી નથી જેથી કહી શકાય કે મહાનગરપાલિકા શહેરીજનોનું સુખાકારી માટે બગીચા બનાવી શકે છે પણ તેની જાળવણી કરવામાં નિષફળ નીવડે છે તેવી લોકમુખે ચર્ચા છે