

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી લઈને છ ડમ્પર, એક જેસીબી અને એક લોડર સહીત ૧.૩૯ કરોડનો મુદામાલ કબજે લીધો છે ખનીજ ચોરો વિરુદ્ધ પોલીસ ટીમ સતત કામગીરી કરી રહી છે અને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે
મોરબી એલસીબી/એસઓજી અને ખાણ ખનીજ વિભાગની ટીમે બાતમીને આધારે વિનયગઢ ગામની સીમમાં રેડ કરી હતી અને સરકારી જમીનમાં ખોદકામ કરતુ જેસીબી વાહન મળી આવ્યું હતું અને માલિક સ્થળ પર હાજર હતો જેની પૂછપરછ કરતા સરકારી જમીનમાં ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે તરણેતર તા. થાનગઢ વાળા ઘણા સમયથી ગેરકાયદે ખનીજ ખનન/વહન કરતા હોવાનું અને ખનીજ વિનયગઢ ગામની બાજુમાં નારાયણ મિનરલ્સ પ્લાન્ટ ખાતે લઇ જઈને પથ્થરો દળી તેને વોશિંગ કરી ડમ્પર મારફત બહારના જીલ્લામાં વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું જેથી ટીમે છ ડમ્પર કીમત રૂ ૧.૨૦ કરોડ, એક જેસીબી મશીન કીમત રૂ ૧૫ લાખ અને ટ્રેક્ટર લોડર કીમત રૂ ૪ લાખ મળીને કુલ રૂ ૧.૩૯ કરોડનો મુદામાલ કબજે લીધો છે
ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર દ્વારા સ્થળ તપાસણી કરી સ્થળ પર સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ કરતા જેસીબી માલિકની પૂછપરછ કરી કોના કહેવાથી ખનીજ ચોરી કરે છે અને કેટલા સમયથી કરે છે તેની તપાસ ચલાવી છે તેમજ માપણી અને રોજકામ કરી ખનીજ ખાતાના નિયમો વિરુદ્ધ દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી છે ખનીજ ચોરીની પ્રવૃતિમાં ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઇ અલગોતર રહે જામવાડી તા. થાનગઢ વાળાના નામો ખુલ્યા છે








