


હળવદ પોલીસની ટીમે જુદા-જુદા બે સ્થળોએ સપાટો બોલાવીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે અજીતગઢ અને ખોડ ગામની સીમમાં દરોડા પાડીને કુલ રૂપિયા ૧.૨૧ લાખથી વધુની કિંમતનો દેશી દારૂ તેમજ ઠંડો-ગરમ આથો જપ્ત કર્યો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પહેલા બનાવમાં, અજીતગઢ ગામની સીમમાં આવેલી રજની પ્રેમજીભાઇ અગોલાની વાડીમાં પોલીસે રેઇડ કરી હતી. વાડી માલિક રજની અગોલાના કહેવાથી ત્યાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ૬૦૦ લીટર ઠંડો આથો (કિંમત રૂપિયા ૧૫,૦૦૦) કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન દારૂ ગાળતો સુનીલ જીવાભાઇ થરેચા નામનો મજૂર ઝડપાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી વાડી માલિક રજની અગોલા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસ તેને શોધવા તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં, ખોડ ગામની સીમમાં ‘રામોદુ’ નામે ઓળખાતી તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળે કોઈ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર ભઠ્ઠી શરૂ કરી હતી. પોલીસે રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી ૧૦૦ લીટર ગરમ આથો (કિંમત રૂપિયા ૨,૫૦૦), ૧૫૫૦ લીટર ઠંડો આથો (કિંમત રૂપિયા ૩૮,૭૫૦) અને ૩૨૫ લીટર તૈયાર દેશી દારૂ (કિંમત રૂપિયા ૬૫,૦૦૦) મળી કુલ રૂપિયા ૧,૦૬,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, પોલીસના આગમનની ભણક લાગતા જ અજાણ્યો બૂટલેગર ત્યાંથી નાસી છૂટ્યો હતો, જેથી પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.




