મોરબીમાં માતા-પુત્રી પર દુષ્કર્મ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને DGP પાસે સાત દિવસમાં રિપોર્ટ માંગ્યો

મોરબીમાં મકાન ભાડું બાકી હોવાનો લાભ ઉઠાવીને મકાન માલિક દ્વારા મહિલા અને તેની સગીર પુત્રીના શારીરિક શોષણ તેમજ દુષ્કર્મ અંગે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું છે. આ ગંભીર મામલે આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને તાત્કાલિક, નિષ્પક્ષ અને સમયબદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા રાજ્યના પોલીસ વડા પાસે આગામી સાત દિવસની અંદર આ મામલે વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ રજૂ કરવા જણાવ્યું છે. આયોગે પોલીસ દ્વારા કેસમાં નોંધવામાં આવેલી એફઆઈઆરની કલમો, ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ અંતર્ગત અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી તેમજ આ કેસમાં કાયદાના દાયરામાં થયેલી ધરપકડ અંગેની સંપૂર્ણ વિગતો માંગી છે. આ ઉપરાંત પીડિત માતા-પુત્રીની તબીબી અને ફોરેન્સિક તપાસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ તેમજ પીડિત પરિવારને પૂરી પાડવામાં આવી રહેલી કાનૂની સહાય, સુરક્ષા અને વળતર અંગેની પણ વિગતવાર માહિતી આ પત્ર દ્વારા માંગવામાં આવી છે.

પત્રમાં આયોગ દ્વારા એવા પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, આ ગુનાહિત કૃત્યમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા, સંરક્ષણ કે સહયોગ રહ્યો છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે. આવી ઘટનાઓ ભવિષ્યમાં રોકી શકાય તે માટે આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ અને બાળકોના શોષણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અસરકારક અને નિવારક પગલાં સુનિશ્ચિત કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આયોગે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધી કરાયેલી તપાસની વર્તમાન સ્થિતિની પણ સમીક્ષા કરવા જણાવ્યું છે.

અંતમાં, રાષ્ટ્રીય મહિલા આયોગે મોરબીની આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું છે કે, મહિલાઓ અને નિર્દોષ બાળકો વિરૂદ્ધ આ પ્રકારનું અમાનવીય શોષણ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. સમાજમાં આવી વિકૃતિ ફેલાવનારા અને ગુનામાં સાથ આપનારા તમામ દોષિતો સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત થવી જ જોઈએ. પીડિતોને ઝડપી ન્યાય મળે તે માટે આયોગે આ સમગ્ર ઘટનાક્રમ પર સીધી નજર રાખી છે.

Leave A Reply

Your email address will not be published.