હળવદ તક્ષશિલા સંકુલમાં વાલી મિટિંગ યોજાઈ, માસિક કસોટીના ટોપર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા

 

હળવદ તક્ષશિલા સંકુલ ખાતે તાજેતરમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેજીથી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન સાથે તેમના વર્તન સંબંધી પ્રશ્નો અને તેના સમાધાન અંગે વાલીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

વાલી મિટિંગ દરમિયાન શાળામાં યોજાયેલી માસિક કસોટીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપર રહેલા વિદ્યાર્થીઓના સન્માન માટે ઈનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના કેળવાય તે હેતુથી ટોપર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

શાળાના પ્રાથમિક વિભાગમાં ધાનેશ પ્રહ્લાદભાઈ, પ્રિયાંક રમેશભાઈ, જિયાંશી પ્રકાશભાઈ, આર્વી દિલીપભાઈ, અંશ દિલીપભાઈ, સાક્ષી અશોકભાઈ, રુષીવ અશ્વિનભાઈ, હેતરાજ ગિરીરાજભાઈ અને મંત્ર જયેશભાઈ તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ત્રિવા મેહુલભાઈ, શ્યામ સુરેશભાઈ, દક્ષરાજ જબ્બરસિંહ, તત્વ અલ્પેશભાઈ અને આધ્યા દિપકભાઈ સહિતના ટોપર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલ, રમેશ કૈલા અને રોહિત સિણોજિયા દ્વારા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલી મિટિંગના માધ્યમથી શાળા અને વાલીઓ વચ્ચે સંવાદ વધુ મજબૂત બને અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંયુક્ત પ્રયાસો થાય તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.