મોરબીમાં એક્ટિવાને ટક્કર મારી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ

મોરબીની સેનસો ચોકડી નજીક ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા એક યુવકને આંતરીને, કારમાં આવેલા ત્રણ અજાણ્યા બદમાશોએ છરી બતાવી તેમજ આંખમાં મરચાની ભૂકી નાખી રૂ. ૮.૩૮ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ઘટનાની વિગતો મુજબ, મોરબીના માણેકવાડા ગામે રહેતા અને મની ટ્રાન્સફરનો ધંધો કરતા ફારુકભાઈ રજાકભાઈ સુમરા પોતાના કલેક્શનના રૂ. ૯,૮૯,૦૦૦ એક થેલામાં ભરીને એક્ટિવા મોટરસાયકલ નંબર GJ-36-AN-5702 પર સેનસો ચોકડીથી મોરબી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સેનસો ચોકડીથી અડધો કિલોમીટર આગળ પહોંચતા જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક સફેદ રંગની સ્વીફ્ટ કાર (નંબર GJ-27-K-1126)ના ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી ફારુકભાઈને નીચે પાડી દીધા હતા. કારમાંથી ત્રણ અજાણ્યા ઇસમો નીચે ઉતરી ફારુકભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને તેમને છરી બતાવી ડરાવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ ફરિયાદી પર મરચાની ભૂકી નાખી, તેમના થેલામાંથી રોકડા રૂ. ૮,૩૮,૫૦૦ ની લૂંટ ચલાવી લીધી હતી અને ફરિયાદીને શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.