દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી જિલ્લામાં ૦૫ થી ૨૧ જૂન દરમિયાન ત્રિવિધ કાર્યક્રમો

 

દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આગામી તારીખ ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે જિલ્લામાં યોજાનારા ત્રિવિધ કાર્યક્રમોના સુચારુ અને સુચારુ આયોજન માટે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

આ ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં મુખ્ય ત્રણ કાર્યક્રમો યોજાનાર છે, જેમાં પ્રગતિ પથ યાત્રા દ્વારા સરકારની વિકાસયાત્રાને જન-જન સુધી પહોંચાડાશે. જન કલ્યાણ શિબિર થકી છેવાડાના પરિવારોને લોકહિતની યોજનાઓથી લાભાન્વિત કરશે અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન (પ્રબુદ્ધ સંમેલન) દ્વારા રાષ્ટ્રના વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોના યોગદાન અંગે સંવાદ સ્થાપિત કરશે. આ કાર્યક્રમોના ભાગરૂપે જિલ્લાભરમાં વ્યાપક વૃક્ષારોપણ, સઘન સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરતી વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, યોજાનારી ‘જન કલ્યાણ શિબિર’ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની મહત્વની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકોની વહીવટી સરળતા માટે આ શિબિરો દરમિયાન જ ‘સેવાસેતુ’ અંતર્ગત મળવાપાત્ર પ૬ (છપ્પન) પ્રકારની વિવિધ સરકારી સેવાઓ અને દાખલાઓનો લાભ અરજદારોને સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે.

 

આ ઉત્સવને સાચા અર્થમાં લોકઉત્સવ બનાવવા માટે જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને અગ્રણી નાગરિકો, પૂજ્ય સંતો-મહંતો, સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ, યુવાઓ તથા વિશાળ સંખ્યામાં આમ જનતાને આ ભગીરથ કાર્યક્રમોમાં સહભાગી બનાવવામાં આવશે.

 

 

 

Leave A Reply

Your email address will not be published.