નગરપાલિકા- મહાનગરપાલિકા ચુંટણી: મતદારે મતદાન કરવા ધ્યાનમાં રાખવાની બાબતો


સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચુંટણીઓ આડે એક જ દિવસ બાકી છે ત્યારે મતદાનની પ્રક્રિયા વિષે સમજ મેળવવી જરૂરી છે. ખાસ કરીને જે મતદારો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે અથવા જેમને કોઈ મૂંઝવણ છે એમને આ માહિતી જાણવી અનિવાર્ય છે.
ચૂંટણીના નિયમો મુજબ, મતદાન કરવા માટે સ્થાનિક મતદાર યાદીમાં નામ હોવું એ સૌથી પહેલી શરત છે. ઓળખ માટે મતદાર કાર્ડ અથવા આયોગે નક્કી કરેલ અન્ય ૧૪ પુરાવાઓમાંથી કોઈ પણ એક સાથે રાખવો ફરજીયાત છે. મતદાન મથકે પહોંચ્યા બાદ મતદારે ઈવીએમ મશીન પર પોતાની પસંદગીના વધુમાં વધુ ચાર ઉમેદવારો સામેના વાદળી બટન દબાવવાના રહેશે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ મશીનમાં સૌથી નીચે આપેલું “રજીસ્ટર બટન” દબાવવાનું ભૂલાય નહી, કારણકે આ બટન દબાવ્યા પછી જ બીપ અવાજ આવશે અને તમારો મત સફળતાપૂર્વક નોંધાશે.
જો મતદાન કરતી વખતે કોઈ ભૂલ થાય, તો એના સુધારા વિષે પણ જાણવું જરૂરી છે. જો તમે ભૂલથી કોઈ એવા ઉમેદવારનાં નામનું બટન દબાવી દીધું હોય જેને તમે વોટ આપવા નથી માંગતા, તો “રજીસ્ટર બટન” દબાવતા પહેલા ફરીથી એ જ ઉમેદવારનાં નામનું બટન દબાવવાથી એ ડીસિલેક્ટ થઇ જશે. ત્યારબાદ તમે તમારી પસંદગીના સાચા ઉમેદવારને વોટ આપી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે જો તમે ફક્ત ઉમેદવારના નામનું બટન દબાવશો અને અંતે “રજીસ્ટર બટન” નહી દબાવો, તો તમારી વોટીંગ પ્રક્રિયા અધુરી ગણાશે અને મત રજીસ્ટર થશે નહી.


