

રેંજ આઈજી નીલીપ્ત રાયની મોરબી મુલાકાત દરમિયાન અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને છાવરવામાં ના આવે તેવી સુચના આપી હતી અને જો કોઈ પણ ફરિયાદ કે બેદરકારી ધ્યાને આવશે તો રેંજ આઈ જી દ્વારા પગલા લેવાશે તેવું પોલીસ અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું ત્યારે એલ.સી.બી. અને વાંકાનેર તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને આંતરી હતી. આ બંધ બોડીની ટ્રકમાંથી આશરે રૂ. ૧.૯૩ કરોડની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો અધધ જથ્થો ઝડપાયો છે. પોલીસે વાહન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૨.૧૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત મુજબ, પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક નંબર RJ-14-GP-4506 વિદેશી દારૂ ભરીને રાજકોટ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે એલ.સી.બી., પેરોલ ફ્લો સ્ટાફ અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૮,૫૮૪ બોટલો (કિંમત રૂ. ૧.૮૬ કરોડ) અને ૩૧૬૮ બીયરના ટીન (કિંમત રૂ. ૬.૯૬ લાખ) મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ટ્રક ચાલ લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો છે, જ્યારે આ માલ મોકલનાર અને મંગાવનાર શખ્સોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આરોપીઓ પોલીસ અને તંત્રની નજરમાંથી બચવા માટે ટ્રકમાં ખાદ્ય સામગ્રી ભરેલી હોવાના ખોટા ઈ-વે બિલ, ઇન્વોઇસ અને બિલ્ટી બનાવતા હતા. આ નકલી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરી તેઓ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની બોર્ડર પાર કરી ગુજરાતમાં પ્રવેશતા હતા. ટ્રકના પાછળના દરવાજે સીલ લગાવીને તેઓ પોલીસ અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, પંજાબથી છેક ગુજરાત સુધી લંબાયેલા આ દારૂના નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે.

