મોરબી: બે કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ, લાખોનો મુદ્દામાલ રિકવર

મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત થયેલી કોપર વાયરની મોટી ચોરીના ગુનાઓ ઉકેલી નાખવામાં આવ્યા છે. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ચોરીમાં સંડોવાયેલા ચાર શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આ કામગીરી દ્વારા પોલીસે વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે.

બનાવની વિગતો મુજબ, મોરબી જેતપર રોડ પર સનટોન સિરામિક સામે, શ્રી કેરમાતા સ્ક્રેપના ડેલા પાસેથી પોલીસે બાતમીના આધારે ચોરીનો મુદ્દામાલ વેચવાની પેરવી કરતા ચાર ઇસમોને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં એઝાઝ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ, દીપકભાઈ ઉર્ફે આયુષ મંગીલાલ દેવડા, કિશનગીરી કૈલાશગીરી ગોસ્વામી અને ધરમચંદ લાદુલાલ ગુર્જરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ કલરના પ્લાસ્ટિક કવર વાળો કોપર વાયર ૧૯૮ કિલો કી રૂ ૯૯૦૦૦ અને શુદ્ધ કોપર વાયર ૧૨૩ કિલો કી રૂ ૧૪૭૬૦૦ મળી કુલ ૨૯૧ કિલો ગ્રામ કોપર વાયર, જેની કિંમત આશરે ૨.૧૦ લાખ રૂપિયાથી વધુ થાય છે તે જપ્ત કર્યો છે. આ ઉપરાંત ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ અને રિક્ષા સહિત કુલ ૩.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં હજુ પણ એક આરોપી બીકરામ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાલી કૈલાસભાઈ આંબલીયાને પકડવાનો બાકી હોવાથી પોલીસે તેની શોધખોળ ચાલુ રાખી છે.

Leave A Reply

Your email address will not be published.