

હળવદ નગરપાલિકા વિસ્તારમાં GUDC દ્વારા અમલમાં મૂકાયેલી ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં નવી પાણીની પાઇપલાઇન, ESR (ઊંચી ટાંકી), GSR (સંપ) અને WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) સહિતની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે દરબારગઢ વિસ્તારમાં વધારાના 10 લાખ લીટર ક્ષમતાના ESR અને 10 લાખ લીટર ક્ષમતાના GSRના નિર્માણ માટે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા આ વધારાની કામગીરીને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવતા દરબારગઢ ખાતે નિર્માણ પામનારા 10 લાખ લીટર ક્ષમતાના ESR (ઊંચી ટાંકી) તથા 10 લાખ લીટર ક્ષમતાના GSR (સંપ)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હળવદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પદાધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત વિસ્તારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કામગીરી પૂર્ણ થયા બાદ હળવદ નગરપાલિકાના વોર્ડ નં. 1, 2, 3, 4, 5 અને 6ના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેમજ નાગરિકોને નિયમિત અને પૂરતા દબાણ સાથે પીવાનું પાણી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી
મયુર રાવલ.હળવદ


