




હળવદ તાલુકાના શિરોઈ ગામે જમીનના હક અને કબજાને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના રહેવાસી મહાદેવભાઈ માનસંગભાઈ પંચાસરાએ હળવદના મામલતદારને લેખિત અરજી પાઠવી પોતાની વારસાઈ જમીન પર કેટલાક વ્યક્તિઓ દ્વારા બળજબરીથી કબજો જમાવી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, શિરોઈ ગામે આવેલી વિવાદિત જમીન તેમના પિતાના નામે હોવાનું અને વારસાઈ હકના આધારે પરિવારના સભ્યોનો તેમાં હિસ્સો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમીન પર કબજો જમાવનારાઓ દ્વારા અરજદાર પરિવારને પોતાની જ જમીનમાં પ્રવેશવા દેવામાં આવતો નથી તેમજ જમીનનો વાવેતર માટે ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. જમીનના હક-હિસ્સા અંગે રજૂઆત કરવા જતાં માર મારવામાં આવ્યો હોવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે.
અરજદારના જણાવ્યા પ્રમાણે, પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આ જમીન જ આવકનું એકમાત્ર સાધન છે. જમીન અંગેનો કેસ નામદાર હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાનું જણાવી હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ દ્વારા જમીન પર કબજો ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મામલતદાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ
1 વિવાદિત જમીનનો કાયદેસર હક અને હિસ્સો અપાવવામાં આવે.
2 જમીન પર થયેલો કથિત ગેરકાયદેસર કબજો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે.
3 રજૂ કરાયેલા જમીનના પુરાવા અને સાધનિક દસ્તાવેજોને ધ્યાનમાં રાખી યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે.
આ મામલે મહાદેવભાઈ માનસંગભાઈ પંચાસરાએ જમીન સંબંધિત દસ્તાવેજો સાથે હળવદ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી યોગ્ય ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે. હવે તંત્ર દ્વારા આ રજૂઆતના આધારે કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
મયુર રાવલ હળવદ
