વાંકાનેરના લાકડધાર પાસે સિરામિકમાં લોડિંગના કોન્ટ્રાક્ટ બાબતે લેબર કોન્ટ્રાક્ટર પર છરી-ધોકા વડે હુમલો

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ કવરસ્ટોન સિરામિક પાસે સિરામિક કારખાનામાં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે ચાલી રહેલી જૂની બોલાચાલીનો ખાર રાખીને એક લેબર કોન્ટ્રાક્ટર પર ત્રણ શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. લોડિંગના કામ બાબતે થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા હુમલાખોરોએ કોન્ટ્રાક્ટરને કાનના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને લાકડાના ધોકા વડે માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેરના માટેલ-ઢુવા રોડ પર રહીને લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા ગજરાજભાઇ અમરેશભાઇ ગુર્જરે હરીસિંહ ટીકમસિંહ ગુર્જર, જોગેન્દ્ર રામધન ગુર્જર અને લોકેન્દર શિવરામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ગજરાજભાઈના ભાગીદાર વિજયભાઈ સાથે આરોપી હરીસિંહ ટીકમસિંહ ગુર્જરને અગાઉ એમ્બિટો સિરામિકમાં લોડિંગનો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ જ બાબતની અદાવત રાખીને, આરોપી હરીસિંહના કહેવાથી અન્ય બે આરોપીઓ જોગેન્દ્ર રામધન ગુર્જર અને લોકેન્દર શિવરામે ફરિયાદીને આંતર્યા હતા. ત્યારબાદ આરોપી જોગેન્દ્રે પોતાના હાથમાં રહેલા ચપ્પુ વડે ગજરાજભાઈના જમણા કાન પર અને કાનની બાજુમાં ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધા હતા, જ્યારે લોકેન્દ્રે લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.