માળીયાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડતા યુવકે કારમાં તોડફોડ કરી ધમકી આપી

માળીયા મિયાણાના સરવડ ગામે રહેતા અને મોરબીમાં વ્યવસાય કરતા વેપારીની કારમાં એક શખ્સે લાકડાના ધોકા અને પથ્થરો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે ગાડીમાં તોડફોડ કરી ધમકી આપી હતી.

બનાવની વિગતો મુજબ, મોરબીના સરદાર નગરમાં રહેતા અને મૂળ સરવડ ગામના વતની નિલેશભાઈ શેરસીયા પોતાના વતન સરવડ ગયા હતા. તે દરમિયાન ગામના જ ચિરાગ રમેશભાઈ ગામી નામનો શખ્સ કાકા રજનીકાંતભાઈ ગામી અને કાકી મીનાબેન ગામીને ગાળો આપતા હોવાથી ફરિયાદીએ તેમને ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાઈ જઈ ચિરાગ નામના શખ્સે ફરિયાદી તથા અન્ય ફરિયાદીના માતાપિતાને ગાળો ભાંડી માર મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ શેરીમાં પાર્ક કરેલી ફરિયાદીની સ્વિફ્ટ કાર પર લાકડાના ધોકા અને પથ્થર વડે હુમલો કરી કારને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ફરિયાદીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાહેરનામાના ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.