

હળવદ તાલુકાના કડીયાણા ગામે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૧૯૮૩માં નિર્મિત નાની સિંચાઈ યોજનાના તળાવનું રૂ. ૧૦૭.૩૯ લાખના ખર્ચે રિનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થયેલી આ કામગીરીના પરિણામે તળાવની જળસંગ્રહ ક્ષમતામાં અંદાજે ૫૨૭ લાખ લીટર (૧.૮૬ એમસીએફટી)નો વધારો થયો છે, તેમ સિંચાઈ વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું છે.
તળાવના રિનોવેશનની કામગીરી અંતર્ગત તળાવને ઊંડું ઉતારવામાં આવ્યું છે. સાથે જ બંધના માટીપાળાને મજબૂત બનાવવાની તેમજ ઢોળાવ પર નવું પથ્થર પીચિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીથી તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થવાની સાથે બંધની મજબૂતીમાં પણ વધારો થયો છે.ખરીફ પાકના વાવેતર માટે સિંચાઈની વધુ સારી તક,
આ સિંચાઈ યોજનામાં આશરે ૪૮ એકરનો કમાન્ડ વિસ્તાર સમાવિષ્ટ છે, જ્યારે ૩૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાક માટે સિંચાઈની સંભાવના રહેલી છે. તળાવમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકવાથી ખેતી માટે પાણીની ઉપલબ્ધતામાં સુધારો થવાની આશા છે.ભૂગર્ભજળની સપાટી સુધરવાની પણ આશા સેવાઈ રહી છે. તળાવની જળસંગ્રહ ક્ષમતામાં થયેલા વધારાથી વરસાદી પાણીનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળની સપાટીમાં સુધારો થવાની અને ખેડૂતોને ખેતીમાં વધુ સુવિધા મળવાની સંભાવના છે. પરિણામે ખેડૂતોના આર્થિક જીવનધોરણને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કડીયાણા ગામે તળાવના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે વધુ સારા જળસ્રોતનો લાભ મળવાની સાથે વરસાદી પાણીના સંગ્રહને પણ પ્રોત્સાહન મળશે.