

મોરબીના પંચાસર રોડ પર રહેતા એક પ્રૌઢ સાથે સાયબર ઠગ ટોળકીએ આરટીઓ ચલણના નામે છેતરપિંડી આચરી છે. ઠગોએ ફરિયાદીના મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી ફોન હેક કરી લીધો હતો અને દંપતીના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. ૩,૦૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, પંચાસર રોડ પર આવેલી ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉ.વ.૫૦) નામના આધેડના મોબાઈલ પર આરોપીઓએ આરટીઓ ચલણની એક એપીકે ફાઈલ મોકલી હતી. લાલજીભાઈએ આ ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેમની જાણ બહાર, તેમના એયુ (AU) બેંકના ખાતામાંથી રૂ. ૨,૯૫,૦૦૦ અને તેમના પત્નીના એયુ બેંકના ખાતામાંથી રૂ. ૫,૦૦૦ મળી કુલ ૩ લાખ રૂપિયા કેનરા બેંકનાં ખાતા નં 110273056488 અને એરટેલ પેમેન્ટ્સ બેંકના ખાતા નં 1084187611માં ટ્રાન્સફર થઈ ગયા હતા. ફરિયાદ દાખલ કરવામાં આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


