

મોરબી-મહેન્દ્રનગર હાઈવે પર નવા બની રહેલા રોડના કામમાં સગીર વયના બાળક પાસે મજૂરી કરાવતા એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે. સગીરના શારીરિક અને આર્થિક શોષણ બદલ પોલીસે કોન્ટ્રાક્ટરની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, મહેન્દ્રનગર ચોકડીથી કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ પર ગત તારીખ ૨૩/૦૪ રોજ સાંજના સમયે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ (રહે. હરિઓમ પાર્ક પાસે, મૂળ મહેસાણા) નામના કોન્ટ્રાક્ટરે એક સગીર વયના બાળ કિશોરને મજૂરી કામ પર રાખ્યો હતો. આ સગીર પાસે રોડ પરથી પથ્થરો હટાવવા, સાવરણાથી સફાઈ કરવી અને સળિયાના સેન્ટિંગ જેવી જોખમી મજૂરી કરાવવામાં આવતી હતી. આ પ્રકારે બાળકના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે ચેડાં કરી તેનું શોષણ કરવા બદલ પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી કાય્દેસ્સારની કાર્યવાહી હાથ ધરી છે.


