

હળવદ પંથકમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવા અને અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. દારૂના ગુનામાં પકડાતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગ રૂપે હળવદ પોલીસે એક રીઢા બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચરાડવા ગામના રાજલનગરમાં રહેતા આમીન અનવરભાઈ કાજેડીયા લાંબા સમયથી ઈંગ્લીશ દારૂના વેચાણ અને અન્ય પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસે આ શખ્સની અસામાજિક પ્રવૃતિઓ પર રોક લગાવવા જીલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત મોકલી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા પોલીસે આરોપીને દબોચી લીધો હતો અને તેને જેલ હવાલે કરી દીધો છે.


