

વાંકાનેર નજીક વઘાસીયા નજીક ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં 25 દિવસ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.


બનાવની મળતી વિગત મુજબ વાંકનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં વગદાર આરોપીઓ પોલીસ ગિરફ્તમાં ન આવતા અનેક આક્ષેપો થયા હતા. પોલીસ રાજકીય ઈશારે આરોપીઓને છાવરતા હોવાના આરોપ વચ્ચે પોલીસે બે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ આ બન્ને આરોપીઓને વાંકાનેર પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તેવું પોલીસ અધિકારી પી.ડી.સોલંકીએ જણાવ્યું હતું.