હળવદ પોલીસ લાઈનમાં માથાકૂટ: જમાદારના ઘરે સમાધાન કરવા ગયેલા યુવાનો પર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ

હળવદ પોલીસ લાઈનમાં કૌટુંબિક ભત્રીજાના કેસ બાબતે સમાધાન કરવા ગયેલા યુવાનો અને પોલીસ જમાદારના પરિચિતો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. બોલાચાલીમાં મામલો બીચકતા છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે યુવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચરાડવા ગામના સદામભાઈ ગુલમામદભાઈ ભટ્ટીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભત્રીજાને દારૂના ગુનામાં પકડવા બાબતે જમાદાર વિજયભાઈ છાસિયા સાથે અગાઉ ફોન પર બોલાચાલી થઇ હતી. જેનું સમાધાન કરવા ફરીયાદી તેમના મિત્ર રેહાન સોહિલખાન પઠાણ અને કુલદીપ કેશવભાઈ વાઘેલા સાથે જમાદારના ઘરે ગયા હતા. ત્યાં વિજયભાઈએ અન્ય માણસોને બોલાવી આયોજનપૂર્વક હુમલો કરાવ્યો હતો.એક સગીરએ છરીના ઘા મારી ફરિયાદી અને તેમના મિત્ર રેહાનને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઉપરાંત હુમલાખોરોએ ફરિયાદીની ઠાર ગાડીમાં તોડફોડ કરી આશરે ૨૫ હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે વિજયભાઇ છાસીયા જમાદાર, વિજયભાઇ છાસીયા જમાદારની પત્ની, ગુનામાં સંડોવાયેલ સગીર, ઉમરભાઇ કાસમભાઇ મીયાણા, શબીરભાઇ નુરમામદભાઇ મીયાણા અને સાદિકભાઇ શેરમામદ મીયાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

સામા પક્ષે સગીર ફરિયાદી દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે જમાદારના પત્ની માટે દવા અને આઈસ્ક્રીમ લઈને તેમના ઘરે ગયો હતો. તે સમયે સદામભાઈ અને તેમના મિત્રો વિજયભાઈ તથા તેમના પત્ની સાથે ઝઘડો કરી રહ્યા હતા અને સદામભાઈ જમાદારને મારવા દોડ્યા હતા. સમીર અને તેના સાથીઓએ વચ્ચે પડીને બચાવ કરતા, સદામભાઈએ ઉશ્કેરાઈને પોતાની થાર ગાડી સમીરની સ્વીફ્ટ ગાડી પાછળ ત્રણ-ચાર વાર ભટકાડી હતી. આ અકસ્માતમાં સ્વીફ્ટ ગાડીને આશરે ૫૦ હજારનું નુકસાન થયું હતું. પોલીસે આ બંને પક્ષની રજૂઆતોને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave A Reply

Your email address will not be published.